કેન્દ્રના નવા શ્રમ કાયદા 2025: ચાર લેબર કોડ અમલમાં, કામદારો માટે ઐતિહાસિક ફેરફાર

કેન્દ્રે 29 જૂના કાયદા દૂર કરીને ચાર નવા લેબર કોડ લાગુ કર્યા. નિમણૂક પત્ર ફરજિયાત, ગ્રેચ્યુઇટી એક વર્ષે, ઓવરટાઇમ બમણું અને કામદારોને PF-ESIC સુવિધાઓ.

Nov 22, 2025 - 11:19
 0
કેન્દ્રના નવા શ્રમ કાયદા 2025: ચાર લેબર કોડ અમલમાં, કામદારો માટે ઐતિહાસિક ફેરફાર

કેન્દ્ર સરકારે શુક્રવારે દેશના શ્રમ કાયદાઓમાં ઐતિહાસિક ફેરફારો કરવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી ચાલી આવતા જૂના શ્રમ કાયદાઓને બદલીને સરકાર હવે ચાર નવી લેબર સંહિતાઓને અમલી બનાવી રહી છે. આ જાહેરાત વિશેની માહિતી કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી. તેમણે આ સુધારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કામદારોને સુરક્ષા, સ્થિરતા અને ગૌરવ સાથે કામ કરવાનો અધિકાર આપતા ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ X પર લખ્યું કે, "આજે આપણી સરકારે ચાર લેબર કોડ અમલમાં મૂક્યા છે." તેમણે આ નવા કોડોને સ્વતંત્રતા પછીના સૌથી મોટા અને સૌથી કામદાર-કેન્દ્રિત સુધારાઓ ગણાવ્યા છે. મોદીએ જણાવ્યું કે આ પરિવર્તન માત્ર કામદારોને સશક્ત બનાવશે એટલું જ નહીં, પરંતુ દેશમાં ‘કામ કરવું’ પહેલા કરતાં વધુ સરળ અને વ્યવસ્થિત બનાવશે.

ચાર નવા લેબર કોડ – શું છે તેમાં?

કેન્દ્ર સરકારે જે ચાર લેબર કોડ રજૂ કર્યા છે, તેમાં વેતન સંહિતા, ઔદ્યોગિક સંબંધો સંહિતા, સામાજિક સુરક્ષા સંહિતા અને વ્યવસાયિક સલામતી સંહિતાનો સમાવેશ થાય છે. આ ચાર નવા કોડમાં સ્વતંત્રતા પછી ઘડાયેલા લગભગ 29 જૂના શ્રમ કાયદાઓને જોડીને એકીકૃત કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે અનેક જૂના કાયદાઓ આજના આર્થિક પરિસ્થિતિ અને આધુનિક કાર્ય પદ્ધતિઓ સાથે સુસંગત નથી, જેથી વર્તમાન સમયમાં યોગ્ય વ્યવસ્થાપન માટે નવા કાયદાઓની જરૂરિયાત હતી.

હવે દરેક કર્મચારીને મળશે નિમણૂક પત્ર

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે દેશની દરેક કંપની માટે ફરજિયાત બનશે કે તેઓ નવા કર્મચારીને જોડાતા નિમણૂક પત્ર ફરજિયાત રૂપે આપે. આ પગલું કંપનીઓમાં પારદર્શિતા વધારશે અને મનસ્વી વર્તન અટકાવશે. સાથે સાથે 40 કરોડ જેટલા અસંગઠિત ક્ષેત્રના કામદારોને PF, ESIC અને પેન્શન જેવી સામાજિક સુરક્ષાની યોજનાઓના દાયરામાં લાવવા પર પણ ખાસ ભાર મુકાયો છે.

ગ્રેચ્યુઇટીના નિયમોમાં કામદારોને મોટો લાભ

ફિક્સ્ડ-ટર્મ એમ્પ્લોયીઝ માટે નવા નિયમો ધારાધોરણો બદલવાનો નિર્ણય કામદારો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. પહેલાં કોઈ કર્મચારીને ગ્રેચ્યુઇટી મેળવવા માટે એક જ કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કરવું ફરજિયાત હતું. પરંતુ હવે ફિક્સ્ડ-ટર્મ પર કામ કરતા લોકો ફક્ત એક વર્ષની સેવા બાદ પણ ગ્રેચ્યુઇટી માટે પાત્ર બનશે, જેનાથી ટૂંકા ગાળાના કરારમાં કામ કરતા કર્મચારીઓને પણ લાભ મળશે.

ઓવરટાઇમ અને પગાર ચૂકવણીના નિયમોમાં કડક વ્યવસ્થા

નવા સુધારાઓ મુજબ, કંપનીઓએ પોતાના કર્મચારીઓને નિર્ધારિત કામકાજની મર્યાદા કરતાં વધુ કામ કરાવ્યું હોય તો તેમને ઓવરટાઇમ માટે બમણો પગાર ચૂકવવો ફરજિયાત રહેશે. ઉપરાંત, દરેક કર્મચારીને સમયસર પગાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જેથી માસના અંતે કોઈ કાર્યકરને આર્થિક તકલીફ ન પડે.

સરકારના આ સુધારાઓ સાથે દેશના કામદારોને વધુ સલામતી, પારદર્શિતા અને માનભેર કામ કરવાનો અધિકાર મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્યોગોમાં પણ આ સુધારાઓને કારણે કામકાજની પદ્ધતિ વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0